રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રચિત રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.
૧ બાલકાંડ
૨ અયોધ્યાકાંડ
૩ અરણ્યકાંડ
૪ કિષ્કિંધાકાંડ
૫ સુંદરકાંડ
૬ યુદ્ધકાંડ - લંકાકાંડ
૭ લવકુશકાંડ - ઉતરકાંડ
ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.